અનુવાદની વિભાવના વિષય પર તુલનાત્મક સાહિત્ય વિભાગમાં સેમિનાર યોજાયો

અનુવાદની વિભાવના વિષય પર તુલનાત્મક સાહિત્ય વિભાગમાં સેમિનાર યોજાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના તુલનાત્મક સાહિત્ય વિભાગના ઉપક્રમે તા: ૨૬/૦૯/૨૩ ના રોજ સવારે 11:00 કલાકે અનુવાદની વિભાવના વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુવાદક શ્રીમતી કાશ્યપી મહા (કાશ્યપી પરીક્ષિત જોશી) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ એન ચાવડા સાહેબ અને તુલનાત્મક સાહિત્ય વિભાગના વડા શ્રી ડો. ભરતભાઈ ઠાકોર સાહેબના માર્ગદર્શનમાં થયું હતું.

કાર્યક્રમનો આરંભ ભારતીય પરંપરા મુજબ માં સરસ્વતીનું સ્મરણ કરી દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય આદરણીય કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ ચાવડા સાહેબ, વિભાગના વડા શ્રી ડો. ભરતભાઈ ઠાકોર સાહેબ, મુખ્ય મહેમાન શ્રી મતી કાશ્યપી જોશી અને અન્ય કર્મચારીગણ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના આગળના પડાવમાં વિભાગના વડા શ્રી ડો. ભરતભાઈ ઠાકોર સાહેબ દ્વારા સેમિનારમાં ઉપસ્થિત યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ ચાવડા સાહેબ, કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી કાશ્યપી જોશી, શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડો ઠાકોર સાહેબે પોતાના સ્વાગત પ્રવચનમાં સેમિનારના હેતુ વિશે જણાવતા કહ્યું હતું કે અનુવાદ કયા કયા કઈ રીતે ઉપયોગી થાય છે તે વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે આ સેમિનારનો હેતુ છે. ત્યારબાદ તેમણે કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી જોશી વિશે ટૂંકો પરિચય આપ્યો હતો. જેમાં તેમણે મુખ્ય વક્તાનું શિક્ષણ, વિભિન્ન ગુજરાતી દૈનિકોમાં તેમણે બજાવેલી જુદી જુદી ફરજો, પુસ્તકોનું સંપાદન અને અનુવાદ, સંશોધન કાર્ય ઈત્યાદિ બાબતો વિશે વાત કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને અનુવાદનું કૌશલ્ય વિકસાવવા માટે કઈ રીતે પ્રયત્ન કરવા જોઈએ તે વિશે જણાવ્યું હતું. તેમણે અનુવાદ દ્વારા પરસ્પર સંવાદિતા કઈ રીતે સ્થપાય તે બાબતે ધ્યાન દોર્યું હતું. તેમણે કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી જોશી દ્વારા અનુદિત અને શ્રી મૃદુલા સિંહા દ્વારા લેખિત પુસ્તક પરિતૃપ્ત લંકેશ્વરી વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમને સાહિત્ય રચનાના હેતુઓ વિશે પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાહિત્ય માત્ર આનંદ માટે ન હતા જીવનનું પ્રતિબિંબ છે. અંતમાં તેમણે લેખિકા મૃદુલા સિંહા સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.

ત્યારબાદ સેમિનારમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ ચાવડા સાહેબનું સ્વાગત યુનિવર્સિટીના ખેસ અને પુષ્પગુચ્છ દ્વારા વિભાગના વડા શ્રી ડો. ભરતભાઈ ઠાકોર સાહેબે કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી જોશીનું યુનિવર્સિટી ખેસ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત આદરણીય કુલપતિજી દ્વારા કરવામાં આવ્યું હતું. વિભાગના વડા શ્રી ડો. ભરતભાઈ ઠાકોર સાહેબનું સ્વાગત અધ્યાપક શ્રી એપી ગામીત સાહેબ દ્વારા પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું.

સ્વાગત વિધિ બાદ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ ચાવડા સાહેબ દ્વારા સેમિનારના વિષયને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે સેમિનારમાં ઉપસ્થિત પત્રકારત્વ અને તુલનાત્મક સાહિત્યના વિષયના વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તેમને કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી જોશી વિશે વાત કરી હતી. તેમના દ્વારા અનુવાદિત સાહિત્યમાં કરવામાં આવેલા પ્રદાન વિશે જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શ્રીમતી જોશી જેવા લોકોને પોતાના અનુકરણીય બનાવવા જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે વર્તમાનમાં માતૃભાષામાં ઉપલબ્ધ શિક્ષણની ઉપલબ્ધિ વિશે વાત કરી હતી. તેમણે ભારત અને ગુજરાતના ટુરિઝમ પ્રોજેક્ટ વિશે વાત કરી તેમાં અનુવાદ બાબતે ગાઈડની ભૂમિકા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમને સ્થાનિક ટુરીઝમને પ્રોત્સાહન આપવામાં અનુવાદ કઈ રીતે ભૂમિકા ભજવી શકે છે તે વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સ્થાનિક પરિવેશને બચાવવા માટે પ્રવાસનનો ઉપયોગ કરવા, લોકો સમક્ષ મૂકવા અને અનુવાદનો તેમાં ઉપયોગ કઈ રીતે થાય તે વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી કાશ્યપીબેન જોશીએ સેમિનારના વિષયને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે અનુવાદની કળા વિશે વાત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં અનુવાદનું ક્ષેત્ર વિકસી રહ્યું છે. તેમાં કોરોનાના કારણે વર્ક ફોર્મ હોમ કરવાનું થયું તેના લીધે હવે અનુવાદનું કામ ઘરે બેઠા પણ કરી શકાય છે તેમ તેમને જણાવ્યું હતું. તેમણે પોતાને અનુવાદ સાથે જોડાવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે પત્રકારત્વના અભ્યાસક્રમમાં સંદર્ભ પુસ્તકો અંગ્રેજી અને હિન્દી ભાષામાં આવતા હતા તે કારણે પોતે આ કામમાં જોડાયા હતા. તેમણે અનુવાદ વિજ્ઞાન વિશે વાત કરતા જણાવ્યું હતું કે અનુવાદનો આધાર સ્રોત ભાષા અને લક્ષ્ય ભાષા હોય છે. આ બંને પર પ્રભુત્વ હોવું જરૂરી છે. આ પાયાની જરૂરિયાત છે. આની પકડ માટે અતિ વાંચન અને શબ્દભંડોળ હોવું જરૂરી છે. તેમણે અનુવાદના પ્રકારો શબ્દશઃ અનુવાદ, ભાવાનુવાદ અને સારાંશ અનુવાદ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકો અનુવાદને ટેકનિકલ માને છે પરંતુ હું તેને કળા માનું છું. તેમણે ટાગોરની બંગાળી ભાષામાં રચેલી ગીતાંજલિના અંગ્રેજી અનુવાદ વિશે વાત કરી હતી. તેમણે અનુવાદકાર્ય વિશે જણાવેલું કે અનુવાદ કરતી વખતે કેટલીકવાર મૂળ ભાષામાંથી સીધો અનુવાદ કરવાનો હોતો નથી, પરંતુ તે વાયા વાયા આવતો હોય છે. આવા અનુવાદમાં કાં તો અનુવાદ શ્રેષ્ઠ થતો હોય છે કે કાં તો ખરાબ. આ કમીને દૂર કરવા માટે જો મૂળ પુસ્તકના અન્ય પરિચિત ભાષામાં અનુવાદો થયા હોય તો તે જોવા જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. તેમના મત અનુસાર અનુવાદ કરતી વખતે જો તમને એક કરતાં વધારે ભાષાનું જ્ઞાન હોય તો અનુવાદ સારો થઈ શકે છે તેમ તેમને જણાવ્યું હતું.
તેમણે વિસ્તૃત સ્તર પર સાહિત્યિક અનુવાદ અને સાહિત્યેતર અનુવાદ એમ બે પ્રકાર દર્શાવ્યા હતા. તેમના મત અનુસાર વિષય મુજબ અનુવાદ જુદો પડતો હોય છે. તેમણે સૌપ્રથમ સાહિત્યેતર અનુવાદ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારનો અનુવાદ પત્રકારત્વ વગેરે વિષય અને ક્ષેત્રોમાં થતો હોય છે. તેમાં તેમણે ચોક્કસ વિષયના સમાચારોનો અનુવાદ કરતી વખતે જે તે વિષયના પારિભાષિક શબ્દો વગેરેના જ્ઞાન અને ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે દૈનિકોની પૂર્તિના લેખનના અનુવાદ કાર્યમાં સર્જનાત્મકતા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ વિષયોના અનુવાદ કાર્યમાં જે તે વિષયની વિશેષ ભાષા પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
તેમણે અનુવાદ કરતી વખતે લક્ષિત વાચક વર્ગનું શિક્ષણ, ઉંમર, સામાજિક પૃષ્ઠભૂમિ વગેરે બાબતો પર ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે અનુવાદના પ્રકારો પૈકી શબ્દશઃ અનુવાદને શ્રેષ્ઠ કહ્યો હતો.
અનુવાદ બીજા પ્રકાર સાહિત્યિક અનુવાદ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમાં અલંકારો વગેરે ધ્યાનમાં લેવા જોઈએ. અલંકૃત ભાષાનો અનુવાદ કરતી વખતે લક્ષ ભાષાના અલંકારો વગેરેને ધ્યાનમાં લેવાની વાત તેમણે કરી હતી. તેમને અનુવાદમાં સ્ત્રોત અને લક્ષ એમ બંને ભાષાના પરિવેશને સમજવાની વાત પર ભાર મૂક્યો હતો. અંતમાં તેમણે મૃદુલા સિંહા લેખિત અને તેમના દ્વારા અનુદિત પુસ્તક પરિતૃપ્ત લંકેશ્વરી વિશે મહત્વની ચર્ચાઓ કરી પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું
કાર્યક્રમના અંતે વિભાગના અધ્યાપક શ્રી અનિલ ગામીત દ્વારા સેમિનારમાં ઉપસ્થિત તમામની આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

 

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *