ગાંધીનગરના ડભોડા ગામ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહ યોજાયો*

*રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી*

*: રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :*
 શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે
 કંકર માંથી શંકર બનાવવાનું કામ ગુરૂજનો જ કરી શકે છે
 સમાજમાં શિક્ષક તરફ ખૂબ જ આદરનો ભાવ હોય
*આ સમારંભમાં રાજયના મુખ્યમંત્રીશ્રી સહિત શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેર ડીંડોર અને શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાનું સન્માન કરીને આચાર્યશ્રીઓએ આભાર વ્યક્ત કર્યો*

રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેવું આજરોજ ડભોડા ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા આયોજિત રાજયના મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
અભિવાદન સમારોહમાં ઉપસ્થિત સર્વે રાજ્યભરના આચાર્યશ્રીઓને આજથી આરંભ થયેલા પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના ઉમદા પ્રયાસો થકી આજે સમગ્ર રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. રાજ્યના છેવાડાના ગામમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ પણ રમતગમત સાથે અન્ય ક્ષેત્રે ગામનું નામ રોશન કરી રહ્યો છે, તેની સર્વે જશ શિક્ષકોને જાયછે.

કંકર માંથી શંકર બનાવવાનું કામ ગુરૂજનો જ કરી શકે છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષકો પોતાની શાળામાં અભ્યાસ કરતો બાળક એક કે બે દિવસ ખુલે ન આવે તો તેના ઘરે જઈ તેની સંભાળ લે છે, તે વાત જ શિક્ષકોની શિક્ષણ પ્રત્યેની ફરજ નિષ્ઠાને ઉજાગર કરે છે.

શિક્ષકો જ બાળકોને સાચી દિશા આપી તેના સુવર્ણ ભવિષ્યનું નિર્માણ કરવાના કાર્યની પાયાની ઈટ મૂકે છે.
તેમણે ઉમેર્યું હતું કે સમાજમાં શિક્ષક તરફ ખૂબ જ આદરનો ભાવ હોય છે અને શિક્ષકોએ સમાજના આ આદરના ભાવને વધુ શ્રદ્ધારૂપ બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત થાય તેવું કાર્ય કરવાનું છે.
આપણે સૌ સાથે મળીને ૨૦૪૭ના વિકસિત ભારતની પરિકલ્પનાને ઉજાગર કરવા માટેનું અને રાજયના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું કાર્ય સાથે મળી કરવાનું છે.
ગુરુજનોના તમામ પ્રશ્નો પૂરા થયા નથી, પણ એક નવી શરૂઆત થઈ છે, તેવું કહી શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક અને શિક્ષક કે હિત મેં સમય તેવા ઉમદા વિચારોને સાથે લઈ આ સંધ ચાલી રહ્યો છે. જેથી જ સમગ્ર દુનિયામાં શિક્ષક જ વંદનીય અને સન્માનનીય બન્યા છે.
રાષ્ટ્રના ભાવને ઉજાગર કરવા અને સમાજને નવી દિશા આપવા માટે કાર્ય કરી રહેલા શિક્ષકોના કાર્યને માન આપવા માટે આ સરકાર દ્વારા છેલ્લા થોડાક વર્ષથી અટવાયેલ એચ ટાટના આચાર્યશ્રીઓના પ્રશ્નને ઉકેલવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોથી આજે સર્વે આચાર્યશ્રીઓના મુખ પર ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે.


હવે આપણે શાળા અને ઓરડાઓને બોલતી કરવાના કામમાં પાછા પડવાનું નથી, તેવું પણ આહૂવાન કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, સમાજ અને માનવ જીવનનું ઘડતર કરવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે. આજે રાજ્ય સરકાર દ્વારા આચાર્યશ્રીઓના હિતમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે વાત તેમના શિક્ષણ પ્રત્યેના કામને વધુ નિષ્ઠાથી કરવા માટે ઉર્જા આપશે. જે સમાજ અને સંસ્કૃતિ જ્ઞાનની પૂજા- અર્ચના કરી છે, તે જ વર્ષો સુધી ટકી શકી છે. તેવી ભવ્ય ભારતીય સંસ્કૃતિનો વારસો આપણને મળ્યો છે, તેવું કહી તેમણે આચાર્યઓને શિક્ષણની જ્યોતને નવી દિશા આપવાનું કામ આપના શિરે છે અને આ થકી વર્ષ ૨૦૪૭ પૂર્ણ વિકસિત ભારતનો પાયો નાખવાનો સપના સાકાર થશે, તેવું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આજે ગુજરાત રાજ્યમાં ૩૫૦ સ્માર્ટ ક્લાસથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તો જ્ઞાનની સદીમાં છેવાડાના ગામમાં અભ્યાસ કરતા બાળકોને કોમ્પ્યુટર લેબ ની સુવિધા મળી રહે તે માટે રાજ્યમાં ૧૫ હજાર જેટલી કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી ભીખાભાઇ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, આ સરકારના શાસનમાં એચટાટના મુખ્ય શિક્ષકનો ખૂબ મોટા પ્રશ્નનો સુમેળ ઉકેલ આવ્યો છે. હવે, આ સંઘનો કોઇપણ પ્રશ્ન બાકી નથી, તેવું કહી રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને રાજય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાનો આરંભ વ્યકત કર્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધી આચાર્ય એચટાટ શૈક્ષિક મહાસંધના મહામંત્રી શ્રી ર્ડા. હરેશ રાજયગુરૂએ કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી શ્રી મોહનજી પુરોહિત, રાજય મહિલા ઉપાધ્યક્ષ શ્રી પલ્લવીબેન પટેલ, આચાર્ય એચ.ટાટ શૈક્ષિક મહાસંઘ સંવર્ગના અધ્યક્ષ શ્રી નાથુભાઇ ઘોયા, સંગઠન મંત્રી શ્રી સરદારસિંહ મચ્છાર, ડભોડા ગામના સરપંચ શ્રીમતી આનંદીબેન પરમાર અને ડભોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને રાજયભરના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *