તા ૪ ફેબ્રુઆરી: વિશ્વ કેન્સર દિવસ- જાગૃતતા, વ્હેલું નિદાન અને યોગ્ય સારવાર આપશે ‘જોખમ ફ્રી જીવન’

– નવી સિવિલ સ્થિત લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટર ખાતે ગત વર્ષે ૪ હજારથી વધુ કેન્સર દર્દીઓએ સારવાર મેળવી: ૧૯૫૧ સ્ત્રીઓ અને ૨૧૩૧ પુરુષો

-’કેન્સરના રોગની પ્રારંભિક તબક્કાની તપાસ તેને નિર્મૂળ કરવાની સારવારને સફળ બનાવવામાં કારગર’: લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરના એમ.ડી ડૉ.સંજય નંદેશ્વર

-’૯ થી ૨૬ વર્ષની અપરિણીત બાળકીઓ અને સ્ત્રીઓમાં સર્વાઇકલ વેક્સિનથી ગર્ભાશયના કેન્સરનું જોખમ ઘટાડી શકાય’: લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરના એ.ડી ડૉ.અંશુલ અગ્રવાલ
-વારસાગત રીતે થતા કેન્સરનું જોખમ ઘટાડવામાં કે અટકાવવામાંજરૂરી જિનેટિક પરિક્ષણ ઉપયોગી

-સામાજિક રૂઢિચુસ્તતા, આધુનિક જીવનશૈલી, વ્યસન, બેદરકારી તેમજ અજ્ઞાનતાને કારણે કેન્સર વધુ જોખમકારક

સુરત: ‘Prevention is better than cure’ એટલે કે સારવાર કરતાં સાવચેતી વધુ સારી,એમ જણાવતા લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર(એમ.ડી) ડૉ.સંજય નંદેશ્વરે તા.૪ ફેબ્રુઆરીએ વિશ્વભરમાં ઉજવાતા ‘વિશ્વ કેન્સર દિવસ’ હેઠળ લોકોને કેન્સર વિષે જાગૃત થવાનો સંદેશો આપ્યો હતો. કેન્સરના રોગની પ્રારંભિક તબક્કાની તપાસ તેને નિર્મૂળ કરવાની સારવારને સફળ બનાવે છે, એમ જણાવી ડો.નંદેશ્વરે કેન્સર વિષેની સજાગતા અને પ્રાથમિક નિદાન માટે લોકજાગૃતિની મહત્વની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
કેન્સર એટલે શું?
‘શરીરના વિવિધ અંગોમાં આવેલા કોષોની અનિયમિતપણે અને અનિયંત્રિત રીતે થતી વૃધ્ધિના ગાંઠના રૂપમાં જમા થયેલા સ્વરૂપને કેન્સર કહે છે. જે અન્ય તંદુરસ્ત કોષોનો નાશ કરી આપમેળે વૃધ્ધિ પામે છે. આવા અનિયંત્રીત હાનિકારક કોષોની રચાતી ગાંઠ ધીમે ધીમે શરીરના અન્ય અવયવોમાં પણ પ્રસરી તે અવયવોનો નાશ કરતી જાય છે.’
કેન્સર રોગ વિષે સમજ આપી ડૉ.નંદેશ્વરે(રેડિયેશન ઓન્કોલોજિસ્ટ) વ્યસન, અનિયમિત જીવનશૈલી, જંકફૂડ, પેકેટફૂડ, હાનિકારક કેમિકલયુક્ત ફ્લેવર અને સિન્થેટીક કલર સહિતની અપ્રાકૃતિક ચીજવસ્તુઓનો વપરાશ, અનિયમિત વ્યાવસાયિક આદતો તેમજ વારસાગત કારણોને લીધે વધતાં કેન્સરના જોખમ વિષે જણાવ્યું હતું.
સંભવિત પ્રાથમિક લક્ષણો
દેખીતી બિમારી વિના સતત વજન ઘટવું, સતત હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવું અને થાક લાગવો, લાંબા સમયથી શરીરના કોઈ ભાગમાં ચાંદું/સોજો/દૂ:ખાવો કે ગાંઠ હોવી, શરીરના કોઈપણ ભાગમાંથી લાંબા સમયસુધી રકતસ્ત્રાવ થવો, માસમાં અનિયમિત બદલાવ થવો કે લોહી પડવું સહિતના અનિયમિત શારીરિક બદલાવ.


ડૉ. નંદેશ્વરે કેન્સરના પ્રાથમિક સંભવિત લક્ષણો વિષે માહિતગાર કરી તેની યોગ્ય તપાસ માટે નિષ્ણાત તબીબ પાસે પરીક્ષણ કરાવવાની સલાહ આપી હતી. સાથે જ રોગના સારવારમાં ઉપયોગી સર્જરી, કિમોથેરાપી, રેડિયેશન(સેક), ઇમ્યુનોથેરાપી, હોર્મોનથેરાપી અને બ્રેકીથેરાપી સહિતની ચોક્કસ પધ્ધતિઓ અને તેના લાભ વિષે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.
તેમણે લોકોને સ્વસ્થ-નિરોગી જીવન માટે નિયમિત રીતે પૌષ્ટિક આહારનું સેવન, કસરત, તાણમુક્ત શિષ્તપૂર્ણ જીવન, દૈનિક સ્વચ્છતા, વ્યસનમુક્તિ અને સમયાંતરે શારીરિક તપાસને પ્રાથમિકતા આપવાનું આહ્વાન કર્યું હતું.
સ્ત્રી,પુરુષ અને બાળકોમાં વધી રહેલા કેન્સરના કેસો અંગે વાત કરતા લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરના એડિશનલ ડાયરેક્ટર ડૉ.અંશુલ અગ્રવાલે(મેડિકલ ઓન્કોલોજિસ્ટ) તેના વ્હેલા નિદાન અને અટકાયત માટે અગત્યની જાણકારી આપી હતી. સ્ત્રીઓમાં મોટે ભાગે જોવા મળતા સ્તન કેન્સર વિષે જણાવતા તેમણે કહ્યું કે, નવા જન્મેલા બાળકોને કોઈપણ પૂર્વગ્રહ વિના ૧ વર્ષ કે તેથી વધુ સ્તનપાન કરાવવાથી તેમજ નિયમિત જાત પરીક્ષણ દ્વારા સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. સાથે જ ૪૦ કે તેથી વધુ વયની સ્ત્રીઓને નિયમિત મેમોગ્રાફી દ્વારા સ્તન પરીક્ષણ કરાવી કેન્સરનું જોખમ ઘટાડવા અનુરોધ કર્યો હતો.
સાથે જ મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ ઓછું કરતી સર્વાઈકલ વેક્સિનની જાણકારી આપી હતી. ૯ થી ૨૬ વર્ષની અપરિણીત બાળકીઓ અને સ્ત્રીઓને આ વેક્સિન થકી ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ મળતું હોવાથી નિયત માપદંડમાં આવતી સ્ત્રીઓને વિના સંકોચ વેક્સિન લેવાનો આગ્રહ કર્યો હતો


ડૉ.અંશુલે સ્ત્રી/પુરુષોમાં વારસાગત રીતે થતા સ્તન, અંડાશય, પ્રોસ્ટેટ, ગર્ભાશય, ઓવરી કે આંતરડાના કેન્સરનું જોખમ ઘટાડવા નિષ્ણાંત જીનેટિસ્ટ તબીબના માર્ગદર્શન હેઠળ જરૂરી જીનેટિક પરિક્ષણ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. જેથી આનુવાંશિક કેન્સરનું જોખમ ઓછું કરી સ્વસ્થ જીવન નિર્વાહ કરી શકાય.
નવી સિવિલ ખાતે આવેલા કેન્સર ડિટેકશન સેન્ટરમાં ગત વર્ષે ૧૯૫૧ સ્ત્રીઓ અને ૨૧૩૧ પુરુષો મળી કુલ ૪ હજારથી વધુ કેન્સરના દર્દીઓએ સારવાર લીધી હતી.જેમાં ફેફસા, હાડકાં, માથું અને ગળું, જીભ, ગર્ભાશય, મોઢું, પેટ, ઓવરી, સ્તન, સ્વરપેટી, અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, લીવર, પિત્તાશય, આંતરડા, ગર્ભાશય, કિડની, પ્રોસ્ટેટ અને લોહી સહિતના વિવિધ પ્રકારના કેન્સરનો સમાવેશ થાય છે.
વર્ષ ૧૯૩3થી WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા શરૂ કરાયેલી ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને કેન્સરના જોખમો, લક્ષણો અને નિવારણ વિષે માહિતગાર કરવાનો છે. દર વર્ષે થીમ આધારિત થતી ઉજવણી માટે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ સુધીની થીમ ‘Close the care gap:દરેક વ્યક્તિ કેન્સરની સારવાર મેળવવા માટે લાયક છે.’એમ નક્કી કરાયેલી છે. વિશ્વભરમાં આ દિવસે,સામાન્ય લોકોને કેન્સરના ચિન્હો વિષે માહિગાર કરી જાગૃતિ ફેલાવવા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સામાજિક રૂઢીઓ, અજ્ઞાનતા અને બેદારકારીભર્યા વર્તનને પાછળ છોડી પૂરતી સજા🍬ગતા અને સભાનતા સાથે કેન્સરનો સામનો કરવામાં આવે તો જોખમ ફ્રી જીવન ચોક્કસથી શક્ય છે.

(ખાસ લેખ:વૈભવી શાહ)

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *