બદલી પામેલા કલેક્ટર આયુષ ઓક અને સુરતના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધીનો અભિવાદન સમારોહ યોજાયો

કલેક્ટર આયુષ ઓકને અપાયું ભાવભર્યું વિદાયમાન: સુરતના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધીને જિલ્લા વહીવટીતંત્રનો ઉમળકાભેર આવકાર

-ટીમવર્કની ભાવના સાથે અઢી વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો:
-જિલ્લામાં હળપતિ સમાજના લોકોને સરકારી ઓળખના જરૂરી પુરાવાઓ માટે આદરેલી છ માસની ઝુંબેશ અને અનાથાશ્રમના બાળકો માટે ઓળખપત્રોની કામગીરી યાદગાર બની રહેશે: પૂર્વ કલેક્ટર આયુષ ઓક
સુદ્રઢ અને શ્રેષ્ઠ ફરજ નિભાવી નાગરિકોની આશા-અપેક્ષા પર ખરા ઉતરવા અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરીશ: નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધી

સુરતઃ સુરત જિલ્લામાં બે વર્ષ અને સાત મહિના સુધી ઉત્કૃષ્ટ કામગીરી કરીને બદલી થયેલા કલેક્ટરશ્રી આયુષ ઓકનો વિદાય અને નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધીનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓએ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી આયુષ ઓકની વલસાડ કલેક્ટર તરીકે બદલી થતા તેમને ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીગણ દ્વારા કુમકુમ તિલક, શાલ ઓઢાડી અને મેમેન્ટો આપી ભાવભરી વિદાય આપવામાં આવી હતી. તેમજ નવનિયુક્ત કલેક્ટરશ્રીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉમળકાભેર આવકાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ અવસરે કલેક્ટરશ્રી આયુષ ઓકે જણાવ્યું કે, સુરતના સૌ અધિકારી-કર્મચારીઓના સાથ સહકારથી ટીમવર્કની ભાવના સાથે અઢી વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પુર્ણ કર્યો હોવાનું જણાવી સૌના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. નોકરી દરમિયાન ઘર-પરિવારનો સહયોગ, માનસિક અને પારિવારિક શાંતિ પણ જરૂરી હોવાનું જણાવી તંદુરસ્ત મન અને તનથી ફળદાયી કામગીરી કરી શકાય છે એમ ભારપૂર્વક ઉમેર્યું હતું.


તેમણે જિલ્લામાં હળપતિ સમાજના લોકોને સરકારી યોજનાઓના લાભો મળી રહે તેમજ તેમને ઓળખના જરૂરી પુરાવાઓ મળી રહે તે માટે છ માસની ઝુંબેશ કરીને મોટી સંખ્યામાં દાખલાઓ આપવા ઉપરાંત સમાજ સુરક્ષા હેઠળના અનાથ આશ્રમના બાળકો માટે ઓળખપત્રોની કામગીરી યાદગાર રહી હોવાનું જણાવ્યું હતું. ફરજ દરમિયાન મદદરૂપ થયેલા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આ તબક્કે તેઓએ ઋણ સ્વીકાર કરી કૃતજ્ઞતા સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું કે, રાજ્યની આર્થિક રાજધાની સુરતના થયેલા વિકાસ અને શહેરીકરણથી પ્રશાસનિક સેવાઓ અને કામગીરીમાં પણ વધારો થયો છે. પૂર્વ કલેક્ટર આયુષ ઓક અને પોતે ૨૦૧૧ ની IAS બેચમેટ છીએ, જેથી પરમ મિત્રો પણ છીએ. આયુષએ અહીં કરેલી શ્રેષ્ઠ કામગીરીને જોતા મારા માટે વિશાળ સુરત જિલ્લો ‘બિગ શૂઝ ફોર ફિટ’(નાના પગ માટે મોટા બૂટ સમાન) છે. પરંતુ શ્રી આયુષ ઓકમાંથી પ્રેરણા લઈ, સુદ્રઢ અને શ્રેષ્ઠ ફરજ નિભાવી નાગરિકોની આશા-અપેક્ષા પર ખરા ઉતરવા અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરવાનો નિર્ધાર કર્યો હતો.


એડીશનલ પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલ, ડી.જી.વી.સી.એલના એમ.ડી. યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરીને કલેક્ટરશ્રી સાથે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. શ્રી આયુષ ઓકના સેવા ફરજકાળ દરમિયાન પ્રજાજનો, અધિકારીઓ અને કર્મચારીઓ તથા પદાધિકારીઓ પ્રત્યે સૌમ્યતા, સરળતા અને જનસેવાની ઉત્કૃષ્ટ ભાવના સદાય સ્મરણીય રહેશે તેમ આ અધિકારીઓએ પ્રતિભાવ આપતા કહ્યું હતું.
જિલ્લા પોલીસ વડાશ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, એકબીજાના સંકલનમાં રહી અનેક પ્રજાકીય કામોને પ્રાધાન્ય આપી વહીવટી કામગીરીઓ સુપેરે પાર પાડી છે. વિધાનસભાની ચુંટણીને પાર પાડવી, વ્યાજખોરો સામે ઝુંબેશ છેડી કાયદાકીય કાર્યવાહી કરીને ૩ હજાર લોકોને ૧૦૦ કરોડથી વધુની લોન સહાય આપવામાં આવી છે. યુવા, ઉત્સાહી, સતત જાગૃત, અરજદારોના પ્રશ્નો ઉકેલવા માટે સતત કાર્યરત અને સમાહર્તા કામગીરીમાં નિષ્ઠાવાન અધિકારી તરીકે તેમની પ્રશંસનીય કામગીરી રહી છે.


આ અવસરે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીએ કલેક્ટરશ્રી આયુષ ઓકના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની ઝાંખી આપતા જણાવ્યું હતું કે, વડોદરા-મુંબઈ એકસપ્રેસ હાઈવે, ડી.એફ.સી.સી., બુલેટ ટ્રેન તથા મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૫.૬૦ લાખ ચો.મી સરકારી જમીનોની ફાળવણી તથા ખાનગી જમીનોનું સંપાદન કરીને ચાર હજાર કરોડ જેટલી રકમ ખાતેદારોને ચુકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારના વિવિધ પ્રોજેકટ હેઠળ ૧૧ લાખ ચો.મી. સરકારી જમીનોના કબજા સુપ્રત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં મોબાઈલ કનેક્ટિવિટી માટે ૫૯ ગામોમાં મોબાઈલ ટાવરો માટે તત્કાલ જમીનોની ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આભવા ઉભરાટ તથા તાપી શુધ્ધિકરણ પ્રોજેકટ માટેની જમીનો ફાળવણી કરવામાં આવી હતી. ઉમરપાડાના ચવડા ગામે ૧૧ વિસ્થાપિતોને ૩૮ વર્ષ બાદ જમીન ફાળવણી કરી કબજો આપવામાં આવ્યો.
સરકારી કાર્યોમાં કે અરજદારો, જનપ્રતિનિધિઓ કે પ્રશાસનિક અધિકારીઓ સાથેના વર્તન-વ્યવહારમાં તેમના હસમુખા અને મિલનસાર સ્વભાવ, ઋઝુતા અને ટીમવર્કની ભાવનાના કારણે શ્રી આયુષ ઓક સૌનો વિશ્વાસ સંપાદન કરી સૌના માનીતા બની ગયા હતા.
વધુમાં તેમણે કહ્યું કે, કલેક્ટર આયુષ ઓકે તેમના કાર્યકાળ દરમિયાન છેવાડે વસતા હળપતિ સમાજના ગરીબ, વંચિત લોકોને સરકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે છ માસની ઝુંબેશ કરીને ૧૩ હજારથી વધુ જાતિના પ્રમાણપત્રો એનાયત કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. સરકારી જમીન ફાળવણીમાં નવી પધ્ધતિ અપનાવીને સરકારી જમીનનો ૧૦૦ ટકા ઉપયોગ થાય તે માટે સમગ્ર બ્લોક નંબરની માપણીની શરૂઆત કરવામાં આવી. તેમના કાર્યકાળ દરમિયાન આર.ટી.એસ.ના ૨૧૦૦થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરફેસીના ૪૬૩૨ કેસોનો નિકાલ તથા જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા માટે ૩૬ વ્યકિતઓ વિરૂધ્ધ પી.બી.એમ. એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી.
આ અવસરે ઈ.પો.કમિશનર વાબાંગ જમીર, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ તથા અન્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *