-કુદ રતી અને માનવસર્જિત આપદાઓ અને સલામતી અંગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તાલીમ અને માર્ગદર્શન અપાયું
સુરત: ભૂકંપ, વાવાઝોડુ, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતકેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મૂકાયો છે, ત્યારે આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૮ જાન્યુ.થી સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ અને એસ.એમ.સી સંચાલિત નગર પ્રાથમિક શાળાઓમાં ‘‘શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪’’ની ઉજવણીનો શુભારંભ થયો છે.
લિંબાયત ઝોનની મહારાણી તારાબાઈ પ્રાથમિક શાળા નં.૧૭૫માં પ્રત્યેક દિવસની અલગ અલગ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે સ્કૂલ સેફટીની મેગા ઇવેન્ટ શાળાના શિક્ષિકા રાજેશ્વરી મોરેએ યોજી હતી. સેફટીની અગત્યતા, ઈમરજન્સી સમયે ઉપયોગી ફોન નંબર્સ, સર્વ શિક્ષા અભિયાનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરે શાળા સલામતી પ્લાન ઘડવા અને તેની ઉપયોગિતા સમજાવી તમામ શાળાઓને પ્લાન બનાવવા અનુરોધ કર્યો હતો. શિક્ષિકા ફાલ્ગુની પટેલે પ્રાથમિક સારવારની નાટિકા રચી બચાવ કામગીરીનું બખૂબી નિદર્શન કર્યું હતું. ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધાઓ અને વિવિધ ચાર્ટ પોસ્ટર, નિદર્શન જેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી. જેથી બાળકોમાં અને સમાજમાં આ બાબતે જાગૃતિ આવે અને લોકોનું જીવન વધુ સલામત અને સુરક્ષિત બને.
આ સમગ્ર સપ્તાહ દરમિયાન થનાર કાર્યક્રમોનું સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ અને બીઆરસી, સીઆરસી તેમજ શાળાઓના આચાર્યોના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે.