GSRTCની ૧૦૦ નવીન બસોને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ

નવી બસોથી રાજ્યના લાખો નાગરિકોને વ્યવસાય, અભ્યાસ કે સામાજિક કાર્ય અર્થે પ્રતિદિન પોષણક્ષમ દરે સુરક્ષિત રીતે આવાગમનની સુવિધા વધશે’: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી  સુરત:-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી GSRTC(ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ)ની ૧૦૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. જેમાં ૨ સ્લીપર, ૫ સેમી લક્ઝરી, ૪૫ સુપર એકસપ્રેસ અને ૪૮ રેડી બિલ્ટ બસોનો સમાવેશ થાય છે. આ બસો ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સંચાલિત થનાર છે 

     આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૧૦૦ નવીન બસો થકી નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં ઉમેરો થશે. રાજ્યના લાખો નાગરિકોને વ્યવસાય, અભ્યાસ કે સામાજિક કાર્ય અર્થે પ્રતિદિન પોષણક્ષમ દરે સુરક્ષિત રીતે આવાગમનની સુવિધા વધશે અને રાજ્યમાં આંતરિક વિસ્તારો તેમજ આજુબાજુના રાજ્યોમાં અવરજવર માટે વધુ વિકલ્પો મળશે. દૈનિક સરેરાશ ૨૭ લાખથી વધુ લોકોને પરિવહનની સુવિધા આપતા ST નિગમ થકી આગામી દિવસોમાં એસ.ટી. સુવિધાનો લાભ લેતા મુસાફરોની સંખ્યા ૩૦ લાખ થઈ જશે.

              વધુમાં મંત્રીશ્રીએ રાજ્ય સરકારે માત્ર ૧૩ મહિનાનાં ટૂંકા ગાળામાં શરૂ કરાયેલી ૧,૬૨૦ જેટલી નવી બસોના લોકાર્પણનું કાર્ય દેશમાં પ્રથમ વખત આટલા ટૂંકા ગાળામાં, ઝડપભેર અને સુવ્યવસ્થિત રીતે થયું હોવાનું ગૌરવપૂર્ણ ઉમેર્યું હતું. ખાનગી વાહનો સામે રાજ્ય સરકારની જાહેર માર્ગ પરિવહન સુવિધાથી લોકોને સરળ રીતે પ્રાપ્ય એવો સુગમ, વ્યાજબી અને ઉત્તમ પરિવહન વિકલ્પ મળ્યો છે એમ આગામી ટૂંક સમયમાં રાજ્યના નાગરિકોને વધુ ૫૦૦ બસ આપવાની દિશામાં થઇ રહેલી કામગીરીની વિગતો આપી હતી.

 

              આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશ માવાણી, GSRTCના જનરલ મેનેજરશ્રી કે.એસ.ડાભી, નિગમ સચિવશ્રી રવિ નિર્મલ, GSRTC-સુરતના વિભાગીય નિયામકશ્રી પી.વી.ગુર્જર, વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રી આર.કે.ભામરે, શહેર સંગઠન પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, વિભાગીય સિક્યુરિટી ઓફિસરશ્રી એલ.કે.ટંડેલ, વિભાગીય એકાઉન્ટ ઓફિસરશ્રી એ.કે.લેઉવા સહિત સુરત ST વિભાગના તમામ ડેપો મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *