લોકસભા ચુંટણી ૨૦૨૨૪- ″તમારા મતદાન મથકને જાણો
લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકની મુલાકાત કરી ત્યાંની સુવિધાઓથી સંતુષ્ઠ થયા
ભરૂચ – લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતીબા રાઓલના રાહબરી વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તા.૭ મી મે એ રાજ્યસહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધો, મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃતિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આજરોજ ભરૂચ જિલ્લામાં સઘન કેમ્પિયનના અનુસંધાને તમારા મતદાન મથકને જાણોનું આયોજન કરવામાં આવ્યું હતું. બુથ પર હાજર બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ જેવી કે પાર્કિંગ, વ્હિલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી. મતદાન કેન્દ્ર મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધાથી સંતુષ્ઠ થયા હતા.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને સમગ્ર ભરૂચ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે જુદી- જુદી પ્રવૃત્તિઓ થઈ રહી છે.