જાહેર હિસાબ સમિતિએ સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામનાર એકતા મોલની સાઈટ વિઝીટ કરી
ICCC-વેસુ ખાતે સુરત મનપાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત શહેરના વિકાસમાં સિંહફાળો આપતા વિકાસ પ્રકલ્પોની જાણકારી મેળવી
સુરતઃ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના રૂંઢ ખાતે કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિર્માણ પામનાર ‘પી.એમ.એકતા મોલ’ની સાઈટ વિઝીટ કરીને મોલના આગામી દિવસોમાં શરૂ થનાર નિર્માણકાર્ય સંબંધિત વિગતો મેળવી હતી. તેમજ સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ICCC-વેસુ)ની મુલાકાત પણ લીધી હતી અને સ્મેક સેન્ટર-કમાન્ડ સેન્ટરની દૈનિક ધોરણે થતી કામગીરીને નિહાળી હતી. તમામ સભ્યો સુરતના તેજ ગતિએ થઈ રહેલા વિકાસથી પ્રભાવિત થયા હતા.
ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવશ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ સુરતની એકદિવસીય મુલાકાત લીધી હતી.
ICCC ખાતે આયોજિત બેઠકમાં મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સુરત શહેરના વિકાસમાં સિંહફાળો આપતા ડાયમંડ, ટેક્ષટાઈલ, હજીરા ઈન્ડસ્ટ્રીઝ, ફુડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, MSME, ઉદ્યોગોની વિગતો આપી હતી. મહાનગરપાલિકાના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ક્લીન સિટી, રિન્યુએબલ એનર્જી, ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન માટેના પગલાઓ, બાયોડાયવર્સિટી પાર્ક, રોડ કનેક્ટીવિટી, તાપી શુદ્ધિકરણ, આઉટર રિંગ રોડ, મેટ્રો, બી.આર.ટી.એસ. કોરિડોર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા પ્રોજેક્ટ વિશેની તલસ્પર્શી જાણકારી આપી હતી. ભવિષ્યમાં આઈ.ટી., સ્ટાર્ટ અપ, જવેલરી મેન્યુફેક્ચરિંગ સેકટર, એજયુકેશન, હેલ્થકેર, સ્પોર્ટ્સક્ષેત્રના વિકાસની સંભાવનાઓ વિશે મ્યુ. કમિશનરે સમિતિને માહિતગાર કર્યા હતા.
સમિતિના અધ્યક્ષ અને સભ્યો સુરત રેલવે સ્ટેશન આવી પહોંચતા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.