*તળાવ ખોદાયુ હોય તો માટી ક્યાં ગઈ..?
*રોડ બનાવવાની ટેન્ડરીંગ પ્રક્રિયા N-Procure પોર્ટલના બદલે GEM પોર્ટલ પર કરવાની શું ફરજ પડી?
જો પ્રામાણિકતાથી જ કામો કરવામા આવ્યા હોય તો છેલ્લા 4 મહિનાથી આર.ટી.આઇ. નો જવાબ આપવામા ગલ્લા તલ્લા કેમ થઇ રહ્યા છે?
જિ*લ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ રજૂઆત
જંબુસર તા.જંબુસર ખાતે પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ હાથિયાખાડી વિસ્તારમાં સિંચાઈ માટેના તળાવ બનાવવાની લાખો રૂપિયાની ગ્રાંટ સરકાર દ્વારા મંજુર કરવામાં આવી હતી. જે અંતર્ગત તળાવ તથા આઉટલેટ બનાવવાની કામગીરી ગ્રામ પંચાયત કાવી દ્વારા બનાવેલ વોટરશેડ કમિટિ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગત વર્ષે કાવી ગામના જ કોન્ટ્રાકરને ચેકડેમ અને આઉટલેટ બનાવવાનું કામ મળ્યું હતું. જેમાં ચોમાસાની નજીક જ વર્કઓર્ડર ઇસ્યુ કરેલ તેમજ તળાવ સુધી કાચો સામાન લઈ જવા માટે જરૂરી રસ્તો વોટરશેડ સમિતિ દ્વારા ના બનાવી આપવાને કારણે આઉટલેટ ના બનતાં નજીવા વરસાદ માંજ તળાવના પાળા ધોવાઈ ગયા હતા. પછીથી જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા કોન્ટ્રાક્ટર પર રાજકીય અદાવતના આરોપો કરી ટેન્ડર ભરવાની પ્રકિયામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જ્યારે આ વર્ષે બીજા કોન્ટ્રાકટરને તળાવના ચેકડેમ અને આઉટલેટ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ વર્ષે તળાવ અને આઉટલેટ બન્યો હોવા છતાં, તા ૨૪-૭-ર૦૨૪ના રોજ લગભગ ગયા વર્ષ જેટલા વરસાદમાં તળાવના પાળા સહિત આખો નવનિર્મિત આઉટલેટ પાયામાંથી ઉખડી ધોવાઈ ગયો હતો.
કાવી પંચાયત દ્વારા જે વોટર શેડ કમિટી ગ્રામસભામાં બનાવવામાં આવી છે તેના પર નજર કરીએ તો આ કમિટિના પ્રમુખ શ્રી પરવેજ મહંમદ જમાદાર જેઓ હાલના ઉપસરપંચ નજમાબેન સલીમ જમાદારના ભાઈ છે. ઉપપ્રમુખ મોહસીના બેન અબ્દુલસત્તાર અસાલી કે જેઓ કમિટી પ્રમુખના સાળી થાય છે. હાલ ગેરલાયક ઠરેલ સરપંચના પતિ અને જંબુસર તાલુકા પંચાયત,કાવી-૧ ના ચૂંટાયેલ સભ્ય સાજીદ યાકુબ મુન્શી છે. એટલે કે ઘરના ભૂવા ને ઘરમાં જ જાગરિયા ભૂવો નાળિયર ફેંકે તો ઘર તરફ જ ફેંકે. આખી વોટરશેડે કમિટી મળતિયાઓની બનેલી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે આટલો મોટો ભ્રષ્ટાચાર થવા પામ્યો છે. સિમેન્ટ કોંક્રિટથી બનેલ આઉટલેટ ધોવાઈ જાય તો વોટરશેડ કમિટિની કામગીરી સામે ચોક્કસ પ્રશ્નો ઊભા થાય. ગયા વર્ષે તળાવ જો ખોદાયુ હોય તો એની માટી ક્યાં સગેવગે થઇ? એ પ્રશ્ન પણ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. અભણતા, જોહુકમી અને આયોજન વગરના કામોને કારણે સરકાર શ્રી દ્વારા ફાળવવામા આવેલ નાણાંઓનો વેડફાટ વોટરશેડ સમિતી કાવીએ કરેલ હોય તેમ સ્પષ્ટ જણાય આવે છે તેમ ગામ લોકોનુ માનવુ છે.
જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે અને ખાયકી કરનાર કસુરવારોને સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.
બોક્સ 1- વોટરશેડ સમિતિ-કાવીના મંત્રી સાજીદ મુન્શી સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી એકહથ્થુ શાસન કર્યા બાદ હાર થયેલ છે તેને લઈ અમારા પર આક્ષેપ કરી રહ્યા છે.
બોક્સ-2, અરજદાર સાજીદ જમાદાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે વોટરશેડ સમિતિના મંત્રી સાજીદ યાકુબ મુન્શી દ્વારા કરેલ આરોપો તદ્દન વાહિયાત જણાતા હોય તેમ પ્રતિત થઇ રહેલ છે. કારણ કે ગામ લોકોની માંગણી છે કે આ કામગીરીમા ભ્રષ્ટાચારની આશંકા છે અને તેથી જ આ બાબતે તેઓ સઘન તપાસ કરાવવા ઇચ્છે છે તો એમાં ખોટુ શું છે?
જો તપાસ થાય તો ભ્રષ્ટાચાર પુરવાર થઇ શકે તેમ છે તેથી તેઓ આવા આરોપો મુકી આ બાબતને રાજકીય મુદ્દો બનાવી ભીનુ સંકેલવા માંગે છે.