સુરતઃલોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો ‘No Voters to be left behind’નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી – નાયબ કલેક્ટરશ્રી સુડા, મામલતદારશ્રી ચોર્યાસી અને આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના સહયોગથી આ અભિયાનમાં મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા, મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતા. ચોર્યાસી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી કિરણકુમાર પી. પારગીની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન મળ્યું હતું.
ઉપસ્થિત સૌએ મહત્તમ મતદાન કરવા અને સપરિવાર મતદાન માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે તાલુકાના સીડીપીઓ, સુપરવાઇઝરો, તલાટી કમ મંત્રીઓ, શિક્ષકો, બીએલઓ, આંગણવાડી કાર્યકરો, સખીમંડળની બહેનો સહિત ગામની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.