વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે “મતદારો માટે મતદાન જાગૃતિ”નો કાર્યક્રમ યોજાયો
“મતદારો માટે મતદાન જાગૃતિ” અંતર્ગત તારીખ ૧૯/૦૪/૨૦૨૪ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કન્વેન્શન હોલ ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે કાર્યક્રમ આદરણીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા અને અતિથી વિશેષ શ્રીમતી શિવાની ગોયલ DDO, Surat- TIP Nodal Officer ના નેજા હેઠળ રાખવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટીના ૩૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. સદર કાર્યક્રમ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ બ્રાંડ એમ્બેસેડર શ્રી યશ પટેલ અને અપૂર્વ ગામીત દ્વારા સંકલન અને સંચાલન કરવામાં આવ્યો હતો. જેમાં લોકશાહીના મતદાનનું મહત્વ તેમજ ચૂંટણી પંચ દ્વારા મતદાનની જાગૃતિ માટેના વિડીયો બતાવવામાં આવ્યા હતા. નેન્સી પટેલ DIO, NIC, Surat દ્વારા મતદાન બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયાની ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
શ્રીમતી શિવાની ગોયલ DDO, Surat દ્વારા તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ૧૦૦ વર્ષ બાદ આપણને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે. આપણે સૌએ દેશે આપણે માટે શું કર્યું તેના કરતા આપણે દેશ માટે શું કર્યું તે વિચાર પર ભાર મુક્યો હતો અને દેશ માટે મતદાન કરવું એ આપણી ફરજ છે તે બાબતની સમજ આપી હતી. તેમણે ૭ મે,૨૦૨૪ ના ગુજરાતના મતદાન માટે જરૂરથી મતદાન માટેની અપીલ કરી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા દ્વારા એક મતદાર ૧૦૦ મતદારને પ્રોત્સાહિત કરે અને મતદાન કરાવે તેના પર ભાર મુક્યો હતો અને તે માટે અપીલ કરી હતી. વધુમાં રાષ્ટ્રહિતને ધ્યાને લઈ દરેકને મતદાન કરવા માટે હાંકલ કરી હતી. તેમણે યુવાનોને સોશિયલ મીડિયામાં મતદાન કર્યા બાદ સેલ્ફી પોસ્ટ કરી બીજાને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી. અંતમાં મતદાન માટેની શપથ લેવડાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમમાં કુલસચિવશ્રી ડૉ. આર.સી. ગઢવી, શ્રીમતી કોમલ ઠાકોર TIP, Sub Nodal Officer, શ્રી જયેશભાઈ પટેલ TIP Sub Nodal Officer, નેન્સી પટેલ DIO-NIC, Surat મામલતદાર ચોર્યાસી શ્રી નીરવ પરિતોષ હાજર રહ્યા હતા. આભારવિધિ નોડલ ઓફિસર શ્રી દર્શન પુરોહિત દ્વારા કરવામાં આવી હતી.