પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે સંકલન બેઠક યોજી
ભરૂચ – ભરૂચની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓને માળખાકીય સુવિધાઓ મળે તે માટે નવનિર્મિત જેલ આવાસોનું લોકાર્પણ કર્યું હતું.
લોકાર્પિત થનાર પોલીસ આવાસમાં બી કક્ષાના ૫૨ જેટલા આવાસ, સી કક્ષાના -૦૮ તથા ડી કક્ષાના -૦૧ કુલ ૬૧ સુવિધાસભર રહેણાંક આવાસનો સમાવેશ થાય છે. જ્યાં અંદાજિત રૂા. ૧૮,૧૫,૬૬ ,૦૮૪ લાખના ખર્ચે બનાવવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોલીસ દળોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઈમારતો ગુજરાત પોલીસના કર્મચારીઓ અને તેમના પરિવારોને સુવિધાસંપન્ન અને આધુનિક આવાસ પ્રદાન કરીને તેમની જીવનશૈલીમાં પણ સુધારો કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે સંકલન બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા કરી વિવિધ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વેશ્રી રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,ડી.કે.સ્વામી, પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મ વહીવટ ડૉ.કે.એલ.એન.રાવ, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા,અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, જેલ અધિક્ષકશ્રી તેમજ આગેવાન પદાધિકારીશ્રીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.